મૂકો બધી ચિંતા, મોજ કરો, મસ્તીકરો, ચમન કરો, ડુંગળી-બટેટાના ભાવ વધતા હોય તો વધવા દયો. બકાલીને હોય એ ભાવ કરતા પણ રૂપિયો વધારે આપીને વટથી શાકભાજી ખરીદો. ભલે એના છોકરા ચાંદીના ઘૂઘરે રમે. એ’ય દીકરો યાદ કરે કે મળ્યા’તા કો’ક રજવાડા. સેન્સેકસ અને નિફટીને મારવા દયો ઉપર નીચે ગુંલાટો. વર્ષોથી બટકી ગયેલા શેરના જે ઉપજે ઈ પૈસા રોકડા કરીને જલસા કરો. બાપ-દાદા મૂકી ગયા હોય એ બધું ફતંગદીવાળિયાની માફક ઊડાવી દો. દારૂ-બારુનો ટેસડો કરવો હોય તો’ય બે ચાર ઘૂંટડા મારીને ચોક વચ્ચે ગલોઠિયા ખાવાની મોજ કરી લ્યો.
આગલા-પાછલા હિસાબ હોય તો સરભર કરી નાખો. ઓફિસના બોસ સામે ટેબલ ઉપર પગ ચડાવીને સિગારેટું ફૂંકો. વધી વધીને નોકરીમાંથી કાઢી મૂકે, તો અહિંયા કોને પડી છે? ‘આ લાત મારી તારી બે ફદિયાની નોકરીને’ એમ કહીને બારણું પછાડીને નીકળી જાઓ. ભાજપવાળાને કહીએ કે હવે ભલે રાજનાથસિંહ જ રહ્યાં પ્રમુખપદે. થોડું ઘણું બાકી રહ્યું છે એ હવે એમને જ પૂરું કરવા દયો. રાહુલને સલાહ કે ભોગવી લે મારા વીરા ભોગવી લે. ઝૂંપડામાં રાતવાસો કરવાના અભરખા છોડ અને પૈણી જા. નહીંતર તારા લીલ પૈણાવાવાળું ય કોઈ નહીં રહે. મોદી સાહેબને કહીએ કે દિલ્હી જવાનું માંડીવાળો. અડવાણી એમાં જ પતી ગયા.
આપણે ગુજરાતમાં જ હલાવ્યે રાખો. આ ઓબામા હમણા ચીનના ખોળે બેઠા છે. મનમોહનસિંઘ કાલે અમેરિકા જવાના છે ત્યારે સરદારને સલાહ કે જરા’ય નમતું જોખતા નહીં. સલમાનને હમણાં એક કન્યારત્નએ તમાચો મારી દીધો એમ ઓબામું વાયડું થાય તો તાણીને એક લાફો ઝીંકી દેજો. ભાયડા થઈ જાઓ ભાયડા. અમેરિકું આપણું કાંઈ બગાડી નહીં લે. વળતી વખતે પાકિસ્તાનમાં ઊતરીને ત્યાંય બે-ચારને તમાચા મારતા આવો. વધી વધીને યુઘ્ધ થાય. બધું નાશ પામે. પણ એમાં ડરવાની જરૂર નથી. અમસ્તો પણ પૃથ્વીનો નાશ થવાનો છે એ નક્કી થઈ ગયું છે. પ્રલયની પાકી તારીખ આવી ગઈ છે. બે વર્ષ બાકી છે. એમાં થાય એટલું કરી લો...ન્યૂઝ ચેનલોનો માનીએ એટલો આભાર.
પ્રલય અંગે આપણને વહેલાસર જાણ કરી દીધી નહીંતર આપણે તો સાવ અંધારામાં જ રહીએ ને? રાત્રે સૂતા હોય ને અચાનક પૃથ્વી જઈને પડે કયાંક બીજા ગ્રહ ઉપર. આપણે આકાશમાં તરતા હોઈએ. કેટલાયે કામ બાકી રહી ગયા હોય. પૈસાનું તો ઠીક કે મોટેભાગે આપણે જ દેવાના બાકી રહી ગયા હોય. પણ એ સિવાયની કેટલીયે ઉર્મીઓ અને અભરખાઓનું શું? આ ચેનલોએ વાર, ઘડી, તારીખ ને સાલ જાહેર કરી દીધા તે સારું કર્યું. આપણને આપણું પ્લાનિંગ કરવાની ખબર તો પડે.
અદ્ભુત છે આ ચેનલોવાળા. આ આખો ફાલ છેલ્લા બે દસકાનો છે. પહેલાં આ પ્રકારનું પ્રોડકશન ન થતું. પહેલાં પણ પત્રકારો હતા, એ બધા પણ ઈન્વેસ્ટીગેશનો કરતા. પણ આ લેટેસ્ટ પ્રોડકટો તો પૃથ્વીના પાતાળમાંથી ચાંદો ઉપાડી લાવે અવા ધૂરંધર છે. આપણને કલ્પનામાં ન આવે એવું એવું શોધી લાવે. દર્શકોને એવું એવું પીરસે કે જોવાવાળા સુધબુધ ગુમાવી બેસે.
આમ તો એ લોકોએ અત્યાર સુધીમાં અનેક પ્રકારનું અવનવું જ્ઞાન આપ્યું છે. પણ, અમુક કિસ્સા તો ઐતિહાસિક છે. એક વખત આ બધા હનુમાનજીને રોવડાવવાના ધંધે વળગ્યા’તા. ટીવીની સ્વીચ ઓન કરીએ કે તૂર્ત જે બ્રેકિંગ ન્યૂઝ દેખાય. ‘હનુમાનજી કી આંખ મેં આંસું, વંથલી કે હનુમાનજી રો રહે હૈ. સુબહ સે આંસું નીકલ રહે હૈ. થમને કા નામ નહીં લેતે...’’
ત્યાં વળી બીજા બ્રેકિંગ ન્યૂઝ આવે. ‘દિલ્હી કે હનુમાનજી પણ રો રહે હૈ, દેખીયે હનુમાનજી કે આંસું, લાઈવ, સિર્ફ ઈસ ચેનલ પર’. એક ચેનલ હનુમાનજીને રોવડાવે તો બીજી કેમ પાછળ રહે. એ વળી ચંદીગઢના હનુમાનજી ઉપર માંડે કેમેરા, ત્યાંય હનુમાનજીની આંખો રોઈ રોઈને લાલ થઈ ગઈ હોય. ભારતમાં તો અબજો હનુમાનજી છે. આ બધાને જે નજીક પડે એ હનુમાનજી પાસે જઈને કેમેરા ગોઠવી દે. અને મંડે હનુમાનજીને રોવડાવવા. વચ્ચે આ હાલ્યું તું. એક આખી સિઝન આવી જેમાં હનુમાનજી રોયે જ રાખતા હતા. ગામે ગામના હનુમાનોને ચેનલોએ ચોધાર આંસું સાથે રડતા દેખાડયા. પછી હનુમાનજીની દયા આવી હોય કે ગમે તે હોય, એમને પડતા મુકયા.
હનુમાનજીને મુકત કર્યા બાદ આ લોકોએ ભૂત-પ્રેતો ઉપર હાથ અજમાવ્યો. ભારત આખામાં ફરીને ભૂતોનો સર્વે કર્યો. એમના સરનામા મેળવ્યા. આપણે તો ભૂતોય લાખોની સંખ્યામાં. એમાંથી મહત્ત્વના ભૂતોને અલગ તારવ્યા. જાહેરાતો કરી. ‘‘આઓ, લે ચલતે હૈ આપકો ભૂત-પ્રેત કી દુનિયામં...’ જાણે યુરોપની ટુર ઉપર લઈ જતા હોય!, ‘આજ દીખાને જા રહે હૈ વો ભૂત, જો આજ તક પહેલે કીસીને નહીં દેખા’. અરે! તારો ડોહો, તું જો ને અમારે નથી જોવું! પણ, ના, આગ્રહ કરી કરીને દેખાડે. ‘યે હૈ ભૂત કી હવેલી...’. સાથે રૂંવાડા ઊભા કરી દે એવું મ્યૂઝિક મૂકે, બે-ચાર કબૂતર ઊડાડે હવેલીના કાંગરા ઉપર. ‘ચારસો સાલ સે યહાં રહતા હૈ, રાત કો બારહ બજ કર તેરહા મિનિટ પર આતી હૈ ઉસકી સવારી, ઔર જો ભી બીચ મે આતા હૈ. સમજ લો ઉસકી મૃત્યુ નિિશ્ચત હૈ...’. ‘યે હૈ ભૂતિયા હવેલી’. ભૂતની ઝૂંપડીઓ, ભૂતના ઝાડ, અરે... ભૂતના શૌચાલય પણ દેખાડે. ભૂતને ય એવું બધું તો કરવું જ પડતું હશેને! વળી કહે’, ‘ઈસ આત્મા કી મોક્ષ નહીં હુઈ હૈ, વો માગતા હૈ અપને સ્વજનો સે પાની, દેખિયે ઈસ ભૂત કો, ઉસકા ચહેરા કહી આપકે કિસી દિવંગત સ્વજન સે તો નહીં મિલતા હૈ?’ આપણને ઉધે રવાડે ચડાવે. આપણા કોઈ સતરમી પેઢીના બાપા તો ભૂત નથી થયાને? એવી શંકાના જીવડા આપણા મગજમાં ઘાલે.
ચેનલોએ ગામે ગામના ભૂત ભારતવાસીઓને દેખાડી દીધા. છેવટે ભૂત ખૂટી ગયા પછી એ બધાને ધર્મના ઊભરા આવ્યા. ભારતભરના તીર્થધામની યાત્રાઓ કરાવી. એમાં’ય નવું નવું ગોતે. ભીમે ભારતભરમાં ખોદેલા ચારેક હજાર કૂવા દેખાડી દીધા. પાંડવોએ ખજાનો દાટયો’તો એ સરોવર આ બધા ભેગા મળીને શોધી આવ્યા. ફેંકયો પડકાર. ‘શોધી શકો તો શોધી લ્યો અરબો ખરબોનો ખજાનો...’. એલા ભાઈ! આ અમને ભાઠે ભરાવશ એના કરતાં તું જ ડૂબકી મારીને ભરી લેને કોથળા. કેમેરા ખંભે લટકાવી લટકાવીને હૈડ હૈડ થાતો તો બંધ થાઈશ.
મુદે્ બધાં શેરલોક હોમ્સના અવતાર ખરાને! એટલે ગ્રુપ્ત ખજાના, ગુપ્ત રસ્તા બધું શોધી કાઢે. એક ચેનલે જાહેર કર્યું હતું. ‘મીલ ગયા સ્વર્ગ જાને કા રાસ્તા, યે રહી ઉસકી સીડી.’ બોલો લ્યો! સ્વર્ગ સુધીના પગથિયા ગોતી આવ્યા. એક વીરલો તો છેક શ્રીલંકા પહોંરયો હતો. કહે, ‘મીલ ગયા રાવણ કા મમી’. રાવણનું કોફિન કાઢયું જમીનમાંથી બહાર. એક ચેનલે તો ભગવાનને લાઈવ દેખાડયા હતા. બેધડક જાહેરાત કરી હતી.’ ‘ટીવી કે ઈતિહાસમાં પ્રથમવાર, સાક્ષાત ભગવાન, લાઈવ...!’ આખે આખા ભગવાનને કેમેરામાં પકડી લીધા.આવી આ ચેનલોએ હવેનવું આંતરરાષ્ટ્રીય અભિયાન ઉપાડયું છે. પૃથ્વીના પ્રલય કરાવવાનું. એમણે ¼ઢ નિર્ધાર કરી લીધો છે. હવે એમાં કાંઈ બાંધછોડ થઈ શકે તેમ નથી. આ અગાઉ પણ એમણે બે-ત્રણ તારીખો જાહેર કરી હતી. પણ એ વખતે કાર્યક્રમ કેન્સલ રાખ્યો’તો. પણ, આ વખતે બધું પાકે પાયે છે.
ચેનલોવાળા ૨૦૧૨માં પ્રલય કરાવવા થનગની રહ્યાં છે. એમનો ઉત્સાહ બેકાબૂ થયો છે. વચ્ચે વળી અંદરો અંદર ફાટફૂટ પડી હતી તે બે-ત્રણ ચેનલોએ પ્રલય સામે વિરોધ નોંધાવ્યો હતો. એક ચેનલે પ્રલથી બચવાનો ઉપાય દેખાડયો’તો, ‘મીલ ગયા બચને કા ઉપાય, પ્રલય સે આપ ભી બચ શકતે હૈ...’ આપણને આશા જાગી કે, હાશ! મરવાનું મુલતવી રહેશે. પણ ઉપાય એવો દેખાડયો કે મોતિયા મરી જાય. કહે, ‘અંતરિક્ષમેં ચલે જાઓ..’ અરે તારી ભલી થાય! એમ અંતરિક્ષમાં કેમ જવાય? ઊભા ઊભા ઠેકડા માર્યે અંતરિક્ષમાં જવાતા હશે? ટૂંકમાં હવે આ વખતે પ્રલય કરાવીને છૂટકો છે. બે વર્ષ બાકી છે. બે વર્ષ મારી લ્યો ધૂબાકા. પછી અફસોસ ન રહે કે જિંદગીમાં કાંઈ કર્યું નહીં.’
આમ તો, આપણે આ ન્યૂઝ ચેનલોનું બધું સાચું માનીએ છીએ. માણસોને આવું બધું ગમે છે એટલે તો એ લોકો દેખાડે છે. પણ, આમાં એક જ લોચો છે. ચેનલોવાળાનું બે વર્ષ દરમિયાન માથું ફર્યું અને એ વિચાર ફેરવી તોળે કે, નથી કરાવવો પ્રલય. તો શું? એ સંજોગોમાં આ લેખમાં શરૂઆતમાં કરેલા સુચનો પૈકીના એકે’યનો અમલ ન કરવો. થાય એવું કે આપણે પ્રલય થવાની આશામાં ને આશામાં દેવાળું ફૂંકી દીધું હોય, ને પછી પ્રલય ન થાય તો લેણદારો વગર પ્રલયે આપણને અંતરિક્ષમાં મોકલી દે. એના કરતા જેમ ચાલે છે તેમ ચાલવા દેવું. ૨૦૧૩માં ન્યૂઝ ચેનલો નવું શું લાવે છે એની રાહ જોવી.